જો તમને લકવો થયો છે તો તમે એકલા નથી! "વર્લ્ડ સ્ટ્રોક ડે" "સ્ટ્રોક પછી પણ હિંમતથી જીવો."

Dr. Shailesh Darji DM Neurology
perm_contact_calendar 1 month ago
Public
visibility 276 Views
thumb_up 29 Likes
 
વર્લ્ડ સ્ટ્રોક ડે
સ્ટ્રોક પછી પણ હિંમતથી જીવો
સ્ટ્રોક વિષે જાણો
ગોલ્ડન પિરિઅડ
world stroke day
up again after stroke
know golden period of stroke treatment
stroke
લકવો
પક્ષઘાત
પેરાલીસીસ
પ્રથમ ૪.૫ કલાક ગોલ્ડન પિરિઅડ

     વૈશ્વિક સ્તરે વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઇઝેશન દ્વારા ૨૯ ઓક્ટોબરને ૨૦૦૬ થી "વર્લ્ડ સ્ટ્રોક ડે" તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે "વર્લ્ડ સ્ટ્રોક ડે" ને બ્રેઈન સ્ટ્રૉક વિશેની લોકોમાં સમજણ વધે અને એના લક્ષણો જાણી ત્વરીત સારવાર મળે એ માટે ઉજવવામાં આવે છે. બ્રેઈન સ્ટ્રૉક એટલે કે પક્ષઘાત દરમિયાન પ્રત્યેક સેકન્ડે મગજના ૩૨ હજાર કોષો નાશ પામે છે. જો ત્વરીત સારવાર ન મળે તો દર્દીનું જીવન જોખમમાં મુકાય છે. જોકે ૨૦૧૦ થી પક્ષઘાતને "પબ્લિક હેલ્થ ઇમર્જન્સી" જાહેર કરેલ છે છતાં પણ અજ્ઞાનતાને કારણે ઘણા બધા પક્ષઘાતના દર્દીઓ સમયસર સારવાર માટે હોસ્પિટલ પહોંચતા નથી. જેમકે એક અભ્યાસમાં, કેરળ દેશનું સૌથી વધુ શિક્ષિત રાજ્ય હોવા છતાં, એવું જાણવામાં આવ્યું છે કે ૮૪ ટકા વસ્તી પક્ષઘાતથી પરિચિત નથી અને એના લક્ષણોની પણ માહિતી નથી. જાગૃતિનો એવો અભાવ પક્ષઘાતની સારવારમાં થતા વિલંબમાં મહત્વનું યોગદાન આપે છે.


     ભારતમાં આશરે દર વર્ષે દર ૧ લાખે ૧૫૦ ને પક્ષઘાત થાય છે. વિશ્વમાં દર ૨ સેકન્ડે એક વ્યક્તિને પક્ષઘાત થાય છે, જેમાંથી ૩૦ ટકા લોકો ૧ થી ૪ અઠવાડિયામાં મૃત્યુ પામે છે. વિશ્વભરમાં લગભગ ૮૦ મિલિયન સ્ટ્રોકથી બચી ગયેલા દર્દીઓ છે જેમાંથી ૫૦ મિલિયનથી વધુ લોકો કાયમી અપંગતા સાથે જીવે છે. ઘણા લોકો માટે, સ્ટ્રોક પછી જીવન પહેલા જેવું રહેતું નથી; પરંતુ યોગ્ય સંભાળ અને સારવાર સાથે અર્થપૂર્ણ જીવન જીવવું હજુ પણ શક્ય છે. આમ લાખો પક્ષઘાતથી બચી ગયેલા દર્દીઓ બતાવે છે કે "સ્ટ્રોક પછી પણ હિંમતથી જીવવું શક્ય બન્યું છે".


સ્ટ્રોક (લકવો, પક્ષઘાત, પેરાલીસીસ) એટલે શું?


     પક્ષઘાત એ મગજનો એક અતિ ગંભીર રોગ છે જેના મુખયત્વે બે પ્રકાર છે. ૮૦ ટકા સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાની સતત વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે અને તરતજ લકવાના લક્ષણો દેખાય છે. બાકીના ૨૦ ટકામાં હેમરેજિક સ્ટ્રોક હોય છે જેમાં મગજમાં લોહીની નળી તૂટવાથી હેમરેજ થવાથી થાય છે.


શું હોય છે પક્ષઘાતના લક્ષણો?


     પક્ષઘાત એક મેડિકલ કટોકટી છે એના લક્ષણોમાં મુખ્યત્વે ચેહરો સહેજ ત્રાસો થવો, એક બાજુનો હાથ ઉપાડવામાં તકલીફ થવી, એક બાજુના પગમાં નબળાઈ થવી અને ચાલવામાં તકલીફ થવી , બોલવામાં તકલીફ પડવી જેમકે જીભ જાડી થવી, અસ્પ્ષ્ટ ઉચ્ચારો, ચાલવામાં બેલેન્સ ના રહેવું, ખોરાક ગળવામાં તકલીફ પડવી વગેરે છે. આમાંથી કોઈ પણ લક્ષણ અચાનક થાય તો તરતજ ૧૦૮ બોલાવીને નજીકની હોસ્પિટલ કે જ્યાં સીટી સ્કેનની સગવડ હોય અને પક્ષઘાતની ઝડપી સારવાર થતી હોય ત્યાં દર્દીને લઇ જવું જોઈએ.


ઝડપી ત્વરીત સારવારની કેમ જરૂર હોય છે?


     મોટાભાગના દર્દીઓમાં ઇસ્કેમિક સ્ટ્રોક થતો હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળી બંધ થઇ જાય છે. આ પ્રકારના લકવાની સારવાર rTPA (Alteplase )  અથવા Tenecteplase નામના ઈન્જેકશનને ત્વરીત આપવાથી થઇ શકે છે, આ દવાથી લોહીનો ગઠ્ઠો ઓગળી જવાથી મોટાભાગના દર્દીઓમાં આંશિક અથવા પૂર્ણ રાહત થઇ શકે છે. પણ આ દવા તોજ અસર કરે છે જો એને સાડા ચાર કલાક (૪.૫ કલાક) માં આપવામાં આવે. એટલેજ પ્રથમ ૪.૫ કલાકને ગોલ્ડન પિરિઅડ કહે છે. પરંતુ એવું ભાગ્યેજ બને છે કે દર્દી સમયસર ગોલ્ડન પિરિઅડમાં હોસ્પિટલ પહોંચે, કેમકે સહુ પ્રથમ તો ઘણીવાર દર્દીને ખ્યાલજ નથી આવતો કે આ લકવાના લક્ષણો છે, પછી ખબર પડે તો પણ નજીકના દવાખાનામાં બતાવવાનું વિચારે અને પછી લાગે કે તકલીફ વધતી જાય છે તો ટ્રાફિકની સમસ્યાને લીધે પણ દર્દી સમયસર પક્ષઘાતની સારવાર મળતી હોય એવી હોસ્પિટલમાં પહોંચી શકતો નથી.


     આથી લકવા વિષે જનજાગૃતિ લાવવી બહુજ જરૂરી છે જેથી દર્દીને ઝડપી ત્વરીત સારવાર મળી શકે.


શું પક્ષઘાતને અટકાવી શકાય છે ?


     પક્ષઘાતને થતા રોકવો એજ એની શ્રેષ્ટ સારવાર છે. જાણો કેટલાક ઉપાયો જેનાથી પક્ષઘાત થતો અટકાવી શકાય.


૧.) નિયમિત કસરત કરો અને કાર્યશીલ રહો.


૨.) પક્ષઘાત થવાના જોખમી પરિબળો જેવાકે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ વગેરેને કાબુમાં રાખો.


૩.) તમારી ખાણીપીણીનું ધ્યાન રાખો અને મેદસ્વિતા ટાળો.


૪.) તમાકુના સેવનથી દૂર રહો અને જો કરતા હો તો આજથીજ બંધ કરો.


૫.) મદ્યપાન ટાળો.


૬.) તાજેતરના અંદાજ મુજબ વાયુ પ્રદૂષણથી પણ પક્ષઘાતનું જોખમ થઇ શકે છે, વાયુ પ્રદુષણને કાબુમાં રાખવા એક જવાબદાર નાગરીક તરીકે બનતી કોશિશ કરો જેમકે વધુમાં વધુ વૃક્ષો વાવો, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કારપુલ તથા સાયકલીંગનો ઉપયોગ વધુ કરો, રેડ સિગ્નલ પર વાહન બંધ કરી દો, કચરો ના બાળો, સોલાર એનર્જીનો ઉપયોગ વધારો વગેરે.


૭.) પક્ષઘાતના પ્રારંભિક લક્ષણો વિષે સમજણ કેળવો અને સમાજમાં જાગૃકતા વધારો જેથી કોઈને પણ પક્ષઘાતના લક્ષણ જણાય તો ત્વરીત ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરી શકાય.


     અંતે, સ્ટ્રોકથી બચી ગયેલા દર્દીઓ અને એમની સાર સંભાળ રાખનારા વ્યક્તિઓ માટે મારે એટલુંજ કેહવું છે કે "તમે એકલા નથી". વિશ્વભરમાં ૮૦ મિલિયન લોકો લકવાગ્રસ્ત છે અને પક્ષઘાતની અસરથી બચી ગયા છે, માટે જો તમને લકવો થયો છે તો તમે બિલકુલ એકલા નથી. તો હિમ્મત રાખી તમારી પક્ષઘાત પછીની જિંદગીને એક "ન્યૂ નોર્મલ", એક નવો આયામ સમજી આગળ વધો અને પક્ષઘાત પછી પણ એક સારું જીવન જીવવા કટિબદ્ધ થાવ.

  

                                                                                                                    જાણો, ચેતો, અટકાવો અને હિંમત રાખો.