"પર્પલ ડૅ" જો તમને વાઈ (એપિલેપ્સી) છે તો તમે એકલા નથી

Dr. Shailesh Darji DM Neurology
perm_contact_calendar 6 months ago
Public
visibility 621 Views
thumb_up 91 Likes
 
Purple day
World Epilepsy Day
Epilepsy awareness

   

     હમણાં ૨૬ માર્ચના રોજ આખા વિશ્વમાં "પર્પલ ડૅ" ઉજવવામાં આવ્યો. આ પર્પલ ડૅનો ઇતિહાસ બહુજ રોચક છે. કેનેડામાં રહેતા યુગલની ૭ વર્ષની દીકરી "કેસીડી મેગન"ને વારંવાર ખેંચના હુમલા આવવા લાગ્યા અને તેને વાઈ એટલે કે એપિલેપ્સીનું નિદાન થયું. તેના કહેવા મુજબ તેને એવું લાગ્યું કે "હું ખુબ ડરી ગઈ હતી અને એકલતા અનુભવતી હતી અને મને લાગ્યું કે લોકો મારી મજાક ઉડાવશે અને હું મારા મિત્રો ગુમાવી દઈશ."તેની વાઈ સાથેના સંઘર્ષ પરથી પ્રેરણા લઈને કેસીડી મેગને ફક્ત ૯ વર્ષની ઉંમરે ૨૦૦૮ની સાલમાં તેના માતાપિતા તથા મિત્રોના સાથથી અને કેનેડાના નોવા સ્કોટીયાના એપીલેપ્સી એસોસિયેશનની મદદથી પર્પલ ડૅની શરૂઆત કરી, જેનો એક માત્ર ઉદેશ્ય વિશ્વમાં વાઈ વિષે લોકોમાં જાગરૂકતા વધારવાનો છે અને વાઈ થી પીડાતા દર્દીઓને સંદેશ આપવાનો છે કે તેઓ એકલા નથી.


     તો પર્પલ ડૅ નિમિતે આવો જાણીએ આ વાઈ વિશેની કેટલીક મહત્વની જાણકારીઓ. તો વાચકમિત્રો વાઈ, તાણ, મીર્ગી, ફેફરું એટલે કે એપિલેપ્સી એ કોઈ દેવી-દેવતાના પ્રકોપથી થતી બીમારી નથી પણ એક ડિસઓર્ડર છે જેમાં મગજમાં કોષો(ન્યુરોન્સ)ની પ્રવૃત્તિમાં વિક્ષેપ આવે છે, જેના કારણે ખેંચના હુમલા આવે છે. વાઈ એક લાંબાગાળાની બીમારી છે અને એના વિષે સમાજમાં ઘણી ખોટી ભ્રામક માન્યતાઓ પ્રચલિત છે, જેને દૂર કરવી જરૂરી છે. વાઇની બીમારી વિષે આટલી બધી વૈજ્ઞાનિક પ્રગતિ થઇ હોવા છતાં, તે કમનસીબ છે કે, આજે પણ આ બીમારીથી પીડિત દર્દી ભય, ગેરસમજણ, ભેદભાવ અને સામાજીક કલંકનો ભોગ બને છે.


1. શું વાઈ ભાગ્યેજ થતી બીમારી છે? ના, સાચું કહું તો વાઈ એક મગજની સહુથી સામાન્ય બીમારી છે અને દર હજારે આઠ થી દસ વ્યક્તિને આ બીમારી હોય છે. ભારતમાં ૧.૨ કરોડ લોકો આ બીમારીથી ગ્રસ્ત છે.


2. શું વાઈ ચેપી રોગ છે? વાઈ સ્પર્શ અથવા ખાંસી દ્વારા ફેલાતો રોગ નથી. જયારે દર્દીને ખેંચનો હુમલો આવે છે ત્યારે તેઓને સહાયની જરૂર હોય છે અને ત્યારે આવી અતાર્કિક માન્યતાઓને કારણે દર્દીને મદદ કરવાથી દૂર રહેવું જોઈએ નહીં.


3. શું વાઈથી પીડિત વ્યક્તિ રક્તદાન કરી શકે? હા કરી શકે છે, વાઈ એ કોઈ ચેપી રોગ નથી અને લોહીથી ફેલાતો નથી.


4. શું વાઈ એ કોઈ ગાંડપણની નિશાની છે? વાઈ એ કોઈ માનસિક બીમારી કે ગાંડપણ નથી. વાઈના દર્દીઓ આક્રમક અને હિંસક હોય છે એવી માન્યતા ખોટી છે, તેઓ ખેંચના હુમલા પછી કયારેક મુંજવણમાં બકબક કરતા હોય છે અને જો તેમને પકડવામાં આવે તો ઉશ્કેરાઈ શકે છે પણ થોડા સમયમાં સ્વસ્થ થયા પછી એમનો સ્વભાવ સામાન્ય થઇ જાય છે. મોટાભાગે વાઈથી પીડિત બાળક મંદબુદ્ધિ નથી હોતું અને માતાપિતા તથા શિક્ષકો દ્વારા તેમને શાળામાં હાજરી આપવા અને તેમનું શિક્ષણકાર્ય પૂર્ણ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ.


5. શું વાઈથી પીડિત બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન તકલીફ થઇ શકે? વાઈ વિશેની ખોટી જાણકારીને લીધે ખાસ કરીને યુવતીઓમાં લગ્ન સંબંધિત સમસ્યાઓ થતી હોય છે. નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવાય તો એમાં નેવું ટકાથી વધુ દર્દીઓને તંદુરસ્ત બાળક આવી શકે છે. ખેંચની દવાઓ સાથે પૂરતો આહાર અને ફોલિક એસિડની ગોળી લેવી જોઈએ અને ગર્ભાવસ્થાના ૧૨ થી ૧૮ અઠવાડિયા વચ્ચે ગર્ભ-વિકૃતિઓ માટે વિગતવાર સોનોગ્રાફી કરાવવી જોઈએ.


6. ખેંચ આવે ત્યારે શું કરવું જોઈએ? કેટલાક લોકો માને છે કે ખેંચના હુમલો આવેલ દર્દીને ડુંગળી અથવા જૂતા સૂંઘાડવાથી ખેંચ બંધ થઇ જાય છે, આ ખોટી માન્યતાઓ છે. ખેંચના હુમલા વખતે એને એક પડખા પર સુવાડી દેવો જોઈએ અને એના મોમાં કઈ પણ નાખવું ના જોઈએ.


7. શું વાઈ મટી શકે છે? વાઈને મટાડવાની કોઈ દવા નથી પણ ૮૦ ટકા દર્દીઓમાં ખેંચની દવાઓ ખુબજ અસરકારક હોય છે અને તેને કાબુમાં રાખે છે, પણ દર્દીએ દરરોજ નિયમિત દવાઓ લેવી પડે છે.


8. શું વાઈ સાથે સારી રીતે જીવવું શક્ય છે? જો દર્દી સમજીને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત દવા લેવાનું રાખે તો વાઈની બીમારી સાથે પણ સુખી અને સફળ જીવન જીવી શકે છે. ઘણા જાણીતા કવિઓ, લેખકો અને રમતવીરો છે કે જેમણે વાઈ હોવા છતાં તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે.


9. વાઈ ને રોકવા શું કરવું જોઈએ? વાઈના કેટલાક મહત્વના કારણોમાં મગજની ઇજા છે તો હેલ્મેટ પહેરવાથી આવી રીતે થતી વાઇની બીમારી અટકાવી શકાય છે. સાથે સાથે મગજના ચેપી રોગો જમકે ટીબી વગેરેને કાબુમાં લાવવા જોઈએ અને બાળકોને રસી અપાવવી જોઈએ.


     નવી દવાઓના આગમનને લીધે, રોગ વિશેની વધતી જતી જાગૃતિ સાથે અને યોગ્ય સમયે તબીબી સારવારની પ્રાપ્તિને લીધે વાઈથી પીડિત દર્દી ઘણું સારું જીવન જીવી શકે છે. કેસીડી મેગનના કહેવા મુજબ જીવનની સમસ્યાઓ તરફ હકારાત્મક અભિગમ રાખવો એ સફળતા અને સંતોષ માટે ચાવીરૂપ છે. અંતમાં સુશિક્ષિત વાચકમિત્રોને મારુ સુચન છે કે વાઈ પ્રત્યેનો એવો નકારાત્મક દ્રષ્ટિકોણ પડકારવો જોઈએ કે જેથી દર્દીને અને સમાજને યોગ્ય અને સુખી જીવન તરફ દોરી જઈ શકાય.

 

                                                                                                                                                                                                                         ડો. શૈલેષ દરજી (ન્યુરોલોજિસ્ટ) ૯૮૯૮૧૮૫૩૬૦