Migraine Awareness Week

Dr. Shailesh Darji DM Neurology
perm_contact_calendar 3 months ago
Public
visibility 363 Views
thumb_up 51 Likes
 
migraine
headache
migraine awareness week

     માઈગ્રેન એટલે કે આધાશીશી આખા વિશ્વમાં સૌથી સામાન્ય માથાનો દુખાવો છે પરંતુ તે ખૂબ જ તક્લીફજનક હોય છે. તે ફક્ત માથાનો દુખાવો નથી, પરંતુ તેમાં અન્ય ઘણા લક્ષણો હોય છે અને તે જીવન જીવવાની ગુણવત્તાને બહુજ માઠી અસર કરે છે. દર વર્ષે સપ્ટેમ્બરના પહેલા રવિવારથી શરુ થતા સપ્તાહને "માઈગ્રેન અવેરનેસ વીક" તરીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ૨ થી ૮ સપ્ટેમ્બરને આમ જનતામાં અને ખાસ કરીને માથાના દુખાવાથી પરેશાન ઘણા બધા દર્દીઓમાં માઈગ્રેન વિશેની જાગૃકતા આવે એ માટે ઉજવવામાં આવશે.

    

     વાચકમિત્રો, સ્પષ્ટ કહું તો આધાશીશીની અસરકારક સારવાર ઉપલબ્ધ હોવા છતાં પણ, ઘણા આધાશીશીના દર્દીઓ તેનો લાભ લેતા નથી. મોટા ભાગે તેઓ ભૂલથી માનતા હોય છે કે તેઓ માત્ર કોઈ સામાન્ય માથાના દુઃખાવાથી પીડીત હોય છે અને ઘણી વાર તેઓ માથાના દુખાવાની દવા લઈને ચલાવતા હોય છે પણ કોઈ નિષ્ણાતની મદદ લેતા નથી. આ રીતે ધીમે ધીમે પેઈન કિલર દવાઓની ટેવ પડી જાય છે અને એનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે પછી તે દવાઓના અભાવથી પણ માથાનો દુખાવો થવા લાગે છે જેને રિબાઉન્ડ હેડેક કહે છે. વિવિધ પ્રકારની પેઈન કિલર દવાઓ અલગ અલગ રીતે કામ કરતી હોય છે એટલે નિષ્ણાંતની સલાહ લઈનેજ આધાશીશીની સારવાર કરાવવી જોઈએ.

     

     ઘણી વાર આધાશીશીમાં પ્રીવેન્ટીવ ટ્રીટમેન્ટના ભાગ રૂપે અમુક દવાઓનો નિયમિત કોર્ષ કરવો પડે છે, જેની અસર અમુકવાર બેથી ત્રણ મહિને થતી હોય છે એટલે દર્દીએ બહુજ ધીરજ રાખવી પડે છે. માઈગ્રેન એક લાંબાગાળાની બીમારી છે જેનો કોઈ ઝડપી "ઉપચાર" નથી. દર્દીને ઘણીવાર હતાશા, ઉચાટ અને અનિંદ્રા પણ રહેતી હોય છે એટલે તેઓને તેમના નજીકના સગાઓનો સાથ અને ટેકો જરૂરી હોય છે. વધતી જતી આધુનિકતા અને દોડધામથી દિવસે ને દિવસે આધાશીશીની બીમારી પણ વધતી  જાય છે, એક સર્વે મુજબ છેલ્લા બાર વર્ષમાં ગુગુલ પર કરવામાં આવતા સર્ચ ટ્રેન્ડમાં "માઈગ્રેન" શબ્દની સર્ચમાં વૈશ્વિક સ્તરે પંદર ટકાનો વધારો થયો છે. આથી નિષ્ણાત ન્યુરોલોજીસ્ટની સલાહ લઇ આધાશીશીની યોગ્ય તાપસ અને સારવાર કરાવવી જોઈએ.

     

     આધાશીશીના દર્દીઓ માટે નીચેના મહત્વપૂર્ણ મુદ્દાઓ ખૂબ મદદરૂપ થઇ શકે છે.


૧) જમવાનો અને ઊંઘવાનો સમય નિયમિતપણે જાળવો.

૨) પર્યાપ્ત માત્રામાં પાણી પીવો અને સવારે નાસ્તો બરાબર કરો.

3) ખાટું અને આથાવાળું જમવાનું ના લો અને પ્રોસેસ્ડ ચીઝ ટાળો.

4) અતિશય કેફીન, ચોકલેટ અને ઠંડા પીણાં વગેરે આધાશીશીના ટ્રીગર્સ ટાળવા.

5) ફક્ત ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલ પેઈન કિલર લો અને તે જેવી પીડા થાય કે તરત લેવાનું રાખો, કારણ કે પેઈન કિલર સૌથી અસરકારક રીતે તોજ કામ

     કરે છે જો માથાનો દુખાવો શરુ થાય એ વખતે તરતજ લેવામાં આવે.

6) નિયમિત કસરત કરો અને યોગા, પ્રાણાયામ તથા મેડિટેશન કરો.

7) માથાના દુખાવાની નોંધ રાખો અને નિષ્ણાંત ડૉક્ટરને નિયમિત બતાવવાનું રાખો.


     તો આઓ સહુ સાથે મળીને "આધાશીશી જાગૃતિ સપ્તાહ" માં, આધાશીશીના સામાજીક કલંકને ઘટાડવા માટે હિંમત દાખવીએ અને આધાશીશી સાથે જીવતા વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારવા માટે નિષ્ણાત ન્યુરોલોજિસ્ટની સલાહ લઈએ.

         

                                                                                                    ડો. શૈલેષ દરજી

                                                                                                      9898185360