મોટાભાગે વાઈથી પીડિત બાળક મંદબુદ્ધિનું નથી હોતું

Dr. Shailesh Darji DM Neurology
perm_contact_calendar 5 months ago
Public
visibility 222 Views
thumb_up 62 Likes
 
epilepsy
myths in epilepsy
epilepsy in children

     આજે ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામથી એક દર્દી આવ્યું, પંદર વર્ષની છોકરીને છેલ્લા દસ વર્ષથી ખેંચની તકલીફ છે. એને દર બે ત્રણ મહિને ખેંચ આવી જાય અને બેભાન થઇ જાય અને પડી જાય તો ક્યારેક વાગી પણ જાય. માબાપ એને એકલા ક્યાંય મોકલતા પણ ડરે, શાળામાંથી પણ ઉઠાડી લીધી, અરે હદ તો એટલે થઇ ગઈ કે બાથરૂમમાં જાય તો પણ દરવાજો અંદરથી બંધ નહિ કરવાનો, કેમકે એક વાર બાથરૂમમાં ખેંચ આવી તો દરવાજો તોડીને બહાર કાઢવી પડી હતી. મેં પૂછ્યું કે કોઈ દવા કરાવી તો એના માબાપ કહેવા લાગ્યા કે શરૂઆતમાં એવું લાગ્યું કે માતાજીનું કૈક હશે એટલે ભુવાને બતાવ્યું, દોરાધાગા કર્યા, કોઈએ કીધું કે આ ભુવો વધુ પૈસા લે છે તો એમને બતાવો સારું થઇ જશે, આમ ચાલતું રહ્યું પણ એને ખેંચની તકલીફ વધતીજ ગઈ, આખરે તમને બતાવવા આવ્યા. મે થોડી વધુ માહિતી મેળવી પછી મગજનો ફોટો એટલે કે એમ.આર.આઈ. અને મગજની પટ્ટી એટલે કે ઈ.ઈ.જી. ની તપાસ કરાવી એપિલેપ્સી એટલે કે વાઈનું નિદાન આપ્યું અને બધું સમજાવીને દવા ચાલુ કરી.


     તો વાચકમિત્રો વાઈ, તાણ, મીર્ગી, ફેફરું એટલે કે એપિલેપ્સી એ કોઈ દેવી-દેવતાના પ્રકોપથી થતી બીમારી નથી પણ એક ડિસઓર્ડર છે જેમાં બાળકના મગજમાં કોષો(ન્યુરોન્સ)ની પ્રવૃત્તિમાં વિક્ષેપ આવે છે, જેના કારણે ખેંચના હુમલા આવે છે. વાઈ એક લાંબાગાળાની બીમારી છે અને એના વિષે સમાજમાં ઘણી ખોટી ભ્રામક માન્યતાઓ પ્રચલિત છે, જેને દૂર કરવી જરૂરી છે. વાઇની બીમારી વિષે આટલી બધી વૈજ્ઞાનિક પ્રગતિ થઇ હોવા છતાં, તે કમનસીબી છે કે, આજે પણ આ બીમારીથી પીડિત બાળક ભય, ગેરસમજણ, ભેદભાવ અને સામાજીક કલંકનો ભોગ બને છે. ખાસ કરીને આગળ જતા યુવતીઓમાં લગ્ન સંબંધિત સમસ્યાઓ થતી હોય છે. સાચું કહું તો વાઈ એક મગજની સહુથી સામાન્ય બીમારી છે અને અને એક અભ્યાસ મુજબ દર હજારે પાંચ થી સાત બાળકોને આ બીમારી હોય છે. આવા વાઈવાળા ઘણા બાળકો યોગ્ય સારવાર પ્રાપ્ત કરી શકતા નથી, ખાસ કરીને નબળા વર્ગમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વાઈ વિશેની ખોટી માન્યતાઓને લીધે આવા બાળકોને સમયસર યોગ્ય સારવાર મળતી નથી અને નિદાન ઘણું મોડું થતું હોય છે, જેથી લાંબાગાળે દર્દીને ખેંચ કાબુમાં લાવવામાં બહુજ તકલીફ પડે છે.


     વાઈ એ કોઈ માનસિક બીમારી કે ગાંડપણ નથી. વાઈના દર્દીઓ આક્રમક અને હિંસક હોય છે એવી માન્યતા ખોટી છે, તેઓ ખેંચના હુમલા પછી કયારેક મુંજવણમાં બકબક કરતા હોય છે અને જો તેમને પકડવામાં આવે તો ઉશ્કેરાઈ શકે છે પણ થોડા સમયમાં સ્વસ્થ થયા પછી એમનો સ્વભાવ સામાન્ય થઇ જાય છે. મોટાભાગે વાઈથી પીડિત બાળક મંદબુદ્ધિનું નથી હોતું અને માતાપિતા તથા શિક્ષકો દ્વારા તેમને શાળામાં હાજરી આપવા અને તેમનું શિક્ષણકાર્ય પૂર્ણ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. વાઈ સ્પર્શ અથવા ખાંસી દ્વારા ફેલાતો રોગ નથી. જયારે દર્દીને ખેંચનો હુમલો આવે છે ત્યારે તેઓને સહાયની જરૂર હોય છે અને ત્યારે આવી અતાર્કિક માન્યતાઓને કારણે દર્દીને મદદ કરવાથી દૂર રહેવું જોઈએ નહીં. કેટલાક લોકો માને છે કે વાઈના હુમલો આવેલ દર્દીને ડુંગળી અથવા જૂતા સૂંઘાડવાથી ખેંચ બંધ થઇ જાય છે, આ ખોટી માન્યતાઓ છે. વાઈના હુમલા વખતે એને એક પડખા પર સુવાડી દેવો જોઈએ અને એના મોમાં કઈ પણ નાખવું ના જોઈએ.


     ખેંચની દવાઓ ખુબજ અસરકારક હોય છે, પણ દર્દીએ દરરોજ નિયમિત દવાઓ લેવી પડે છે. જો બાળકના માતાપિતા સમજીને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત દવા આપવાનું રાખે તો વાઈની બીમારી સાથે પણ સુખી અને સફળ જીવન જીવી શકે છે અને સારું ભણતર કેળવી શકે છે. ઘણા જાણીતા કવિઓ, લેખકો અને રમતવીરો છે કે જેમણે વાઈ હોવા છતાં તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે. નવી દવાઓના આગમનને લીધે, રોગ વિશેની વધતી જતી જાગૃતિ સાથે અને યોગ્ય સમયે તબીબી સારવારની પ્રાપ્તિને લીધે વાઈથી પીડિત દર્દી ઘણું સારું જીવન જીવી શકે છે. જીવનની સમસ્યાઓ તરફ હકારાત્મક અભિગમ રાખવો એ સફળતા અને સંતોષ માટે ચાવીરૂપ છે. ભારતમાં નવેમ્બર મહિનાને દર વર્ષે "એપિલેપ્સી અવેરનેસ મન્થ" તરીખે ઉજવવામાં આવે છે તો અંતમાં સુશિક્ષિત વાચકમિત્રોને મારુ સુચન છે કે વાઈ પ્રત્યેનો એવો નકારાત્મક દ્રષ્ટિકોણ પડકારવો જોઈએ કે જેથી એવા બાળકોને અને આગળ જતા સમાજને યોગ્ય અને સુખી જીવન તરફ દોરી જઈ શકાય.