માનવ હૃદય તથા લોહીનું પરિભ્રમણ (સરકયુલેશન)

Dr. Kamlesh Shah MD
perm_contact_calendar 6 months ago
Public
visibility 411 Views
thumb_up 77 Likes
 
માનવ હૃદય તથા લોહીનું પરિભ્રમણ (સરકયુલેશન)
માનવ હૃદય
લોહીનું પરિભ્રમણ (સરકયુલેશન)
heart
blood circulation
કાર્ડીઆક સાયકલ


હૃદય -

શરીરનો એકદમ નાજુક ભાગ, કવિઓ અને સ્ત્રીઓને પ્રિય એવું આ શરીરનું અદભુત અંગ સ્નાયુઓનું બનેલું છે. તેનામાં પોલાણ છે. આ અવયવ આપની છાતીનાં વચ્ચેનાં ભાગમાં પાંસળીઓની પાછળ આવેલું છે. તેનું કદ માણસની મુઠ્ઠી જેટલું હોય છે. અને વજન ૩૦૦ ગ્રામ (એથલેટ) રમતવીરનું વજન ૫૦૦ ગ્રામ જેટલું થાય છે. તેનો નીચેનો ભાગ ડાબી છાતી તરફ ઝુકેલો હોય છે. હૃદયને બે ભાગમાં વહેંચી શકાય. ડાબો અને જમણા. ડાબા ભાગમાં હમેંશા શુધ્ધ લોહી વહેતું હોય છે. જમણા ભાગમાં અશુધ્ધ લોહી વહેતું હોય છે. હૃદયને ચાર ખાના હોય છે. ઉપરના ખાના જમણા અને ડાબા ક્ષેપક અને નીચેના ખાના જમણા અને ડાબા કર્ણક તરીકે ઓળખાય છે.

હૃદયનો જમણો ભાગ સમગ્ર શરીરમાંથી અશુધ્ધ થયેલું લોહી પાછુ મેળવે છે. અને તેને શુધ્ધ કરવા માટે ફેફસાંમાં મોકલી આપે છે. ફેફસામાં લોહીમાનો અંગાર વાયુ (CO2) દૂર થાય છે. અને પ્રાણવાયું ઉમેરાય છે. આ રીતે શુધ્ધ થયેલું લોહી ડાબા ભાગમાં પાછુ આવે છે, જ્યાંથી તેને હૃદય દ્વારા શરીરનાં તમામ અંગોમાં મોકલવામાં આવે છે. પ્રાણવાયુ યુક્ત શુધ્ધ લોહી ધમનીઓ નામની રક્તવાહિનીઓ દ્વારા શરીરમાં જાય છે. ધમનીઓમાં થઈને લોહી કેશ વાહિનીમાં આવે છે. કેશવાહિનીઓની દીવાલો ઘણી બારીક હોય છે. જેમાં થઈને શરીરના કોષો લોહીમાંનો પ્રાણવાયુ મેળવે છે. કોષોમાં પેદા થયેલો અંગારવાયુ લોહીમાં દાખલ થાય છે. આ રીતે લોહી અશુધ્ધ બને છે. આમાં શરીરનું અશુધ્ધ લોહી શિરાઓ નામની રક્તવાહિનીઓ દ્વારા હૃદયના જમણા ભાગમાં પાછુ ફરે છે. હૃદય આપણા શરીરનો એક જીવંત પમ્પ છે. જે દ્વારા લોહી આપણા શરીરમાં સતત ફરતું રહે છે. હૃદયનું કાર્ય લોહીને શરીરમાં સતત ફરતું રાખવાનું છે.

કાર્ડીઆક સાયકલ

હૃદય જીવંત સ્નાયુઓનો બનેલો અવયવ છે. આ સ્નાયુ પોતાના નિશ્ચિત લયથી સતત ધબકતો રહે છે. હૃદયના એક ધબકારામાં તેના સ્નાયુઓના સંકોચન અને વિસ્તારનું એક મોજું સંકળાયેલું છે. હૃદયના ચોક્કસ ભાગમાંથી તેના સંકોચનનું મોજું શરૂ થાય છે અને નિશ્ચિત માર્ગોથી હૃદયના સ્નાયુઓમાંથી સંકોચન આ મોજાનું વાહન કરવા માટે એક વિદ્યુત માર્ગ બનાવવામાં આવેલો છે. આ વિદ્યુતમાર્ગ SA node નામની કુદરતી બેટરી દ્વારા સંચાલન થાય છે.

જેમ જેમ હૃદય સ્નાયુના સંકોચનનો આ વિદ્યુત પ્રવાહ હૃદયના જુદા જુદા ખાતાઓમાં પ્રસરતો જાય છે તેમ તેમ હૃદયનો દરેક ભાગ વારા ફરતી કાર્યરત થતો જાય છે. ઉપરોક્ત બેટરીમાંથી એક તાર હૃદયની ડાબી બાજુએ અને એક તાર હૃદયની જમણી બાજુએ જાય છે. આમ હૃદયનો એક ધબકાર તેના સ્નાયુઓના ક્રમબધ્ધ સંકોચન અને વિસ્તાર મળીને થાય છે. તંદુરસ્ત વ્યક્તિના એક મિનિટના ધબકારા ૬૦ થી ૧૦૦ ની વચ્ચે હોય છે. હૃદયના સ્નાયુની વિદ્યુત પ્રક્રિયા ઇલેક્ટ્રોકાર્ડીઓગ્રામ (ઈ.સી.જી.) દ્વારા કાગળની પટ્ટી પર નોંધવામાં આવે છે. જે હૃદયના અનેક રોગોના નિદાનમાં ઉપયોગી છે.