જાણો આ ગેસ એસીડીટી માટે વપરાતી દવા મગજ માટે કેટલી હાનિકારક છે

Dr. Shailesh Darji DM Neurology
perm_contact_calendar 2 weeks ago
Public
visibility 437 Views
thumb_up 16 Likes
 
levosulpride
levosulpride induced parkinson
levosulpride induced movement disorders
world parkinson day

     હમણાં ૧૧ એપ્રિલના રોજ આખા વિશ્વમાં "વર્લ્ડ પાર્કિન્સન્સ દિવસ" ઉજવવામાં આવ્યો. આમ તો પાર્કિન્સન બીમારી મગજની એક કુદરતી બીમારી છે પણ વાચકમિત્રો અમુકવાર આ બીમારી કોઈ બીજા કારણોથી પણ થઇ શકે છે જેમ કે કોઈ દવાની આડઅસરને લીધે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિકલ ડિસઓર્ડર જેવાકે ગેસ, એસીડીટી, અપચો અથવા પેટમાં દુખાવાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક સામાન્ય દવાઓ અને દેખીતી રીતે નિર્દોષ લાગતી દવાઓ, પાર્કિનસન રોગ જેવી ગંભીર ન્યુરોલોજીકલ બિમારીઓ નોંતરી શકે છે. આ દવાનું નામ છે લીવોસલપ્રાઈડ (LEVOSULPRIDE). 

     

     ૨૦૧૭માં રજુ કરવામાં આવેલા કલકત્તાની "ઇન્સ્ટિટ્યુટ ઑફ ન્યુરોસાયન્સીસ" (આઈએનકે) દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે તાજેતરમાં પાર્કિન્સન (કંપવાત) અથવા મોઢા પર થતા ડિસકાઈનેસીયાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેનું કારણ ગેસ એસીડીટી માટે વપરાતી એક દવાનો વધતો જતો વપરાશ છે. આ દવાઓ મગજના "ડોપામાઇન" નામના ન્યુરો-ટ્રાન્સમીટર બનાવતા કોષોને કાયમી નુકશાન પહોંચાડી શકે છે. ડોપામાઈન શરીરની હલનચલન અને ભાવનાત્મક પ્રતિભાવોને નિયંત્રિત કરે છે, જેથી તેના અભાવથી પાર્કિન્સન જેવી ગંભીર ન્યુરોલોજીકલ બિમારીઓ થઇ શકે છે.


     થોડા વર્ષો પહેલા,ફક્ત પેન્ટોપ્રાઝોલ ગ્રુપની દવાઓ પેટની બિમારીઓ માટે સૂચવવામાં આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પેન્ટોપ્રાઝોલ ગ્રુપની દવાઓ સાથે લીવોસલપ્રાઈડ (LEVOSULPRIDE) નામની દવા ઉમેરવામાં આવી છે, જે પણ ગેસના દર્દીઓને બહુજ સારી રાહત આપે છે કે જે દવાઓના અંતમાં 'એલ' શબ્દથી ઓળખાય છે. આ દવા ગેસની તકલીફમાં વધુ અસરકારક હોય છે, પરંતુ તે ખુબજ હાનિકારક આડઅસર ધરાવે છે. તે એન્ટી-ડોપામાઇન છે અને મગજમાં ડોપામાઇન રીસેપ્ટરને અવરોધિત કરે છે અને તેનું પ્રમાણ ઘટાડે છે જેથી શરીરના હલનચલનને અસર કરે છે. અને જો આ દવાનું સતત સેવન કરવામાં આવે તો તે પાર્કિન્સન તરફ દોરી જાય છે જેનાથી શરીરની ગતિવિધિ ધીમી પડી જાય છે અને ધ્રુજારી આવે છે, સાથે સાથે તે મોઢા , હોઠ અને જીભ પર અસામાન્ય પ્રકારની સતત ધ્રુજારી પેદા કરે છે જેનાથી બોલવામાં, ચાવવામાં પણ તકલીફ પડે છે જેને "ઓરલ ડિસકાઈનેસીયા" કહે છે. મોટા ભાગના દર્દીઓમાં આ રોગ અસાધ્ય સાબિત થાય છે અને દર્દી આ બીમારીથી જીવનભર પીડાય છે.


     છેલ્લા કેટલાક સમયમાં આ દવાનો વપરાશ વધ્યો છે કેમકે ઘણા દર્દીઓ વારંવાર પ્રિસ્ક્રિપ્શન વિના તેનો ઉપયોગ કરી રહ્યા છે. ગેસ્ટ્રોલોજિસ્ટ કે પેટના સર્જન ડોક્ટરે થોડા સમય પુરતીજ લેવાની લખી હોવા છતાં દર્દી તેને "ઓવર ધ કાઉન્ટર" એમનીમજ મેડિકલ સ્ટોર્સમાંથી લઇ લે છે જે ચિંતાજનક વલણ છે.

મારા ડૉક્ટરમિત્રોને એટલુંજ કહેવાનું થાય છે કે “આ દવાઓ ઉપયોગી છે અને તેને નકારી શકાય તેમ નથી, પરંતુ ડોપામાઇન પર તેની અસર થાય છે, તેથી તેમને કાળજીપૂર્વક પ્રિસ્ક્રાઈબ કરવી પડશે.” જો ત્રણ ચાર અઠવાડિયાથી વધુ ખવાય, તો તેઓ ખરેખર લાંબાગાળાની મગજની બીમારી નોતરી શકે છે. આ દવાનું “ઓવર-ધ-કાઉન્ટર” વેચાણ તરતજ રોકવું જોઈએ પરંતુ ડોક્ટરો અને દર્દીઓ તેના વિષે ખૂબ જ બેદરકાર લાગે છે.


     ખાસ કરીને ૪૦ થી ૭૦ વર્ષની વયના દર્દીઓ તથા કિડની રોગના દર્દીઓ લીવોસલપ્રાઈડ દવાઓથી પ્રભાવિત થાય છે. અને ડ્રગ પ્રેરિત પાર્કિન્સન અથવા ડિસ્કિનેસિયા કુદરતી રીતે થતા આવા રોગો કરતા વધુ તીવ્ર હોય છે. આજકલ, જ્યારે પણ કોઈ દર્દી "પાર્કિન્સનિઝમ" અથવા કોઈપણ અસામાન્ય ધ્રુજારીની તકલીફ સાથે મારી પાસે આવે છે, ત્યારે હું હંમેશા તેમની દવાઓ પર નજર નાખું છું અને ઘણી વખત ત્યાં "એલ" વાળી આ દવા જોવા મળે છે. ઘણી વાર દર્દી એના નામનો ઉલ્લેખ કરવાનું પણ ભૂલી જાય છે કેમકે એને તે એસીડીટી ગેસની સામાન્ય દવા ગણે છે. આ પ્રકારના દર્દીઓ આ દવા લે છે કે નહિ અને કેટલા સમયથી લે છે તે જાણવું બહુજ જરૂરી હોય છે કેમકે જો તે લાંબા ગાળા સુધી ચાલુ રહે તો કાયમી ધોરણે નુકસાન થઇ શકે છે. ઘણીવાર દર્દીને આ દવાનું વ્યસન જેવું થઇ જાય છે અને તેના વગર ચાલતું નથી.


     આ દવાઓ જે નુકસાન પહોંચાડે છે, જેનું કાયમી નિરાકરણ કરી શકાતું નથી. તેથી, સામાન્ય પેટની બિમારી ગંભીર ન્યુરોલોજીકલ બીમારીમાં પરિણમે છે, તો અંતે આ દવાનો સાચવીને ઉપયોગ કરવો બહુજ જરૂરી છે.