શું તમે જાણો છો કે ખુશ રહેવાથી તંદુરસ્ત રહેવાય છે?

Dr. Shailesh Darji DM Neurology
perm_contact_calendar 7 months ago
Public
visibility 576 Views
thumb_up 71 Likes
 
happiness
health
being happy for being healthy
happiness leads to good health
healthy way of living     આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે પ્રાચીન ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે કહ્યું હતુ કે "ખુશ રહેવું એજ માનવ જીવનનો મૂળ હેતુ અને માનવ અસ્તિત્વનો આખરી ધ્યેય છે" અને તે આજે પણ સાચું છે. આનંદ, ઉમંગ, ખુશી, સુખ એ બધી એવી અનુભૂતિ છે જેમાં વ્યક્તિ હકારાત્મક લાગણીઓ અનુભવે છે અને જીવન જીવવાનો સંતોષ અનુભવે છે. તાજેતરના સંશોધનથી સાબિત થયું છે કે ખુશ રહેવાથી ના માત્ર સારું લાગે છે પણ સ્વાસ્થ્યને પણ એ લાભદાયી છે.


     વાચકમિત્રો ખરેખર તો તંદુરસ્ત રહેવાની એક ચાવી "ખુશ રહેવું" છે. સન ૧૯૪૮માં "વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન" દ્વારા હેલ્થ એટલે કે સ્વાસ્થ્યની વ્યાખ્યા આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય એટલે વ્યક્તિ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારો અને સુખી હોય અને નહીં કે માત્ર માંદગી અને દુર્બળતાનો અભાવ. "સુખાકારીની ગુણવત્તા" વ્યક્તિ કેટલો તંદુરસ્ત છે તેના પર સીધેસીધું નિર્ભર કરે છે. પણ તંદુરસ્ત રહેવા માટે ખુશ રહેવું બહુજ જરૂરી છે.


     સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આનંદમાં રહેવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે અને ખુશ રહેવાથી બીમારી સામે રક્ષણ મળે છે તથા બીમારીમાંથી સાજા થવામાં પણ તે મદદરૂપ થાય છે. એટલુંજ નહીં તાજેતરના સંશોધનથી એવું પણ જાણવા મળ્યું છે કે ખુશ અને પ્રશન્ન રહેવાથી કોઈ પણ "સ્ટ્રેસ" એટલે કે બીમારી પ્રત્યેની શરીરની પ્રતિક્રિયા અને તેને લીધે થતું "ઇન્ફ્લેમેશન" ઓછું થાય છે જેથી બીમારીને લીધે થતી પીડા ઓછી થાય છે. તે એથરોસ્ક્લેરોસિસ અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો જેવા કે હ્રદયરોગ અને સ્ટ્રોક સામે રક્ષણ આપે છે. તે સ્ટ્રોકની સારવારમાં રિકવરીમાં અને ડિમેન્સિયાને રોકવામાં મદદ કરે છે. એટલુંજ નહિ પણ તે કેન્સરના ઉપચારમાં પણ મદદ કરી શકે છે


      લંડનમાં થયેલા એક અભ્યાસ "ઇંગલિશ લોન્ગિટ્યૂડિનલ સ્ટડી ઓફ એજિંગ"ના તારણ મુજબ જે વયોવૃદ્ધ લોકો ખુશ રહે છે તેઓને તેમની સાથેના બીજા વૃદ્ધો કરતા દીર્ધાયુષ્ય જીવવાની ૩૫ ટકા તક વધુ મળે છે. લાબું જીવવાવાળા આવા લોકો તેના કારણોમાં તેમનું જીવન પ્રત્યેનું હકારાત્મક વલણ, સતત આનંદમાં રહેવું અને આરોગ્યની જાળવણી કરવાની સારી ટેવો કહે છે. આમ તેઓ આહારવિહારમાં બહુજ કાળજી રાખે છે.


     તો વાચકમિત્રો આવો જાણીએ "હેપિનેસ" એટલે કે ખુશ રહેવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિષે વૈજ્ઞાનિક તારણો શું કહે છે.


૧. હેપિનેસથી કોઈ પણ બીમારીથી થતું ઇન્ફ્લેમેશન ઓછું થાય છે જેથી બીમારીનો "સ્ટ્રેસ" ઘટે છે અને દર્દ પણ ઓછું થાય છે અને ઝડપી સુધારો અને રૂઝ આવે છે. આ માટેના રિસર્ચમાં કેટલાક અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે ખુશ રહેવાથી અને હકારાત્મક મનોભાવથી "ઇન્ટરલ્યૂકીન-૬,સી.આર.પી. અને ફાઈબ્રિનોજન" જેવા ઇન્ફ્લેમેશન બાયોમાર્કર્સ તત્વો ઘટી જાય છે.


૨.સતત કાર્યશીલ અને હેતુપૂર્વક જીવન જીવવાથી જીવનમાં ઉમંગ વધે છે અને હમણાં ૨૦૧૬માં રજૂ થયેલા એક અભ્યાસ મુજબ આવા લોકોમાં "કોર્ટિસોલ" હોર્મોનનું રક્તસ્તર ઓછું હોય છે અને લાંબા ગાળે કાર્ડિયોવૅસ્ક્યુલર રોગ થવાની શક્યતા ઓછી હોય છે કેમકે આ એક સ્ટીરોઈડ હોર્મોન છે અને એની વધુ પડતી માત્રા શરીર માટે જોખમકારક હોય છે, જે સિમ્પેથેટિક સિસ્ટમને નિયંત્રિત કરે છે.


3. હેપિનેસથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. એક અભ્યાસ મુજબ જે લોકો ખુશ હતા, આનંદમાં હતા એમને ઇન્ફ્લૂએન્ઝા વાયરસથી થતી શરદીની એટલી અસર નહોતી જોવા મળી જેટલી અન્ય લોકોમાં જોવા મળી હતી જેવો એટલા ખુશ નહોતા. આમ ખુશ રહેવાથી ઘણી નાની મોટી બીમારીઓથી બચી શકાય છે.


૪.દુનિયાના ઉચ્ચ વૈજ્ઞાનિક તથ્યો તપાસનાર "કોક્રેન રિવ્યૂ"ના એક તારણ મુજબ ડિપ્રેસન એટલે કે ઉદાસીનતાને લીધે લકવા પછી થતી રિકવરી બહુ ધીમી પડી જાય છે અને એવા દર્દીઓને એન્ટીડિપ્રેસન્ટ્સ દવાઓથી લકવામાં ઝડપી સુધારો થતો જોવા મળે છે જે દર્શાવે છે કે સ્ટ્રોક જેવી મગજની ગમ્ભીર બીમારીમાંથી સાજા થવા માટે ખુશ રહેવું બહુજ અગત્યનું છે.


૫. અલ્ઝાઇમર ડિમેન્સિયા નામની ભુલકણાપણાની બીમારી મગજમાં અમુક ખાસ હિસ્સાઓમાં "અમાયલોડ પ્લેક" નામના પ્રોટીનના કણો જમા થવાથી થાય છે. પેટ (PET) સ્કેન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું જોવા મળ્યું હતું કે જેઓ ખુશ રહેતા હતા અને હકારાત્મક વલણ રાખતા હતા એમનામાં "પોસ્ટેરિયર સિંગ્યુલેટ ગાયરસ" નામના મગજના ભાગમાં "અમાયલોડ પ્લેક" બહુજ ઓછા જમા થતા હતા. આમ અલ્ઝાઇમર અટકાવા માટે ખુશ રહેવું બહુજ જરૂરી છે.


૬. "સ્પિરિચ્યુલ ફિટનેસ" એટલે કે સતત આનંદમાં રહેવાથી અને જીવનમાં કોઈ ઉચ્ચ ધ્યેય સાથે જીવવાથી અલ્ઝાઇમર રોગ થવાની શક્યતા નહિવત રહે છે.


૭. કેટલાક અભ્યસોમાં એવું પણ જોવા મળ્યું છે કે "ડોપામીન" કે જેને હેપિનેસ કેમિકલ પણ કહે છે, તે કેન્સરની વૃદ્ધિ માટે જવાબદાર VEGF નામના ઘટકને અવરોધે છે અને કેન્સરગ્રસ્ત કોષોની આજુબાજુ નવી લોહીની નળીઓ બનતા અટકાવે છે અને આ રીતે ડોપામીન કેન્સરને કાબુમાં લેવા માટે બહુજ અગત્યનો ભાગ ભજવે છે, જેના પર ઘનિષ્ટ સંશોધનો ચાલુ છે.


૮. કોગ્નિટિવ બિહેવિયર થેરાપી કે જે એક મનોચિકિત્સાનો ભાગ છે જેમાં હકારાત્મક લાગણીઓ અને વિચારો પેદા કરી દર્દીને આરામ થાય એમ કરવામાં આવે છે જે હેપિનેસ પ્રિન્સીપલ પર કામ કરે છે. તેના દ્વારા ડિમેન્સિયા, મલ્ટિપલ સ્ક્લેરોસિસ તથા મગજની ઇજા થયેલી હોય એવા દર્દીઓમાં જ્ઞાનશક્તિ અને સમજશક્તિ વધારવામાં આવે છે.


૯.પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર નામની બીમારી માટે પણ કોગ્નિટિવ બિહેવિયર થેરાપી કરવાથી દર્દીની ખુશીમાં વધારો થાય છે અને તેના આઘાતમાંથી જલ્દી બહાર આવે છે.


     આમ ખુશ રહેવાથી મનની તંદુરસ્તી સાથે શરીરની પણ તંદુરસ્તી વધે છે અને ઘણી બધી બીમારીઓમાં સાજા થવામાં મદદરૂપ થાય છે અને વ્યક્તિને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે.