૨૨ જુલાઈ "વર્લ્ડ બ્રેઈન ડે" : માઈગ્રેન એક દર્દભરી હકીકત છે.

Dr. Shailesh Darji DM Neurology
perm_contact_calendar 10 months ago
Public
visibility 1481 Views
thumb_up 169 Likes
 
world brain day
22nd July
the painful truth
migraine
world federation of neurology

     આખા વિશ્વમાં માઈગ્રેન એટલે કે આધાશીશી મગજની સહુથી સામાન્ય બીમારી છે, જે દર સાતે એક વ્યક્તિને થાય છે. વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજી દ્વારા દર વર્ષે ૨૨ જુલાઈના રોજ "વર્લ્ડ બ્રેઈન ડે" ઉજવામાં આવે છે, જેમાં આ વર્ષની થીમ મુજબ લોકોમાં માઈગ્રેન વિષેની જાગૃકતા લાવવી જરૂરી છે. માઈગ્રેન ફક્ત માથાનો દુખાવો નથી, પરંતુ તેમાં અન્ય ઘણા લક્ષણો હોય છે અને તે જીવન જીવવાની ગુણવત્તાને બહુજ માઠી અસર કરે છે.


     આજે જુલાઇ ૨૨ના રોજ, વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજી અને ઇન્ટરનેશનલ હેડેક સોસાયટી સાથે મળીને પાંચમો "વિશ્વ મગજ દિવસ" ઉજવશે જેમાં માઈગ્રેન વિષે લોકોને સમજણ આપવામાં આવશે.ભારતમાં પણ ઇન્ડિયન એકેડમી ઓફ ન્યુરોલોજી આ માટે સતત પ્રયન્તશીલ છે.વધતી જતી આધુનિકતા, દોડધામ તથા વાતાવરણના પ્રદુષણને લીધે દિવસે ને દિવસે માઈગ્રેન બીમારી વધતી જાય છે, એક સર્વે મુજબ છેલ્લા બાર વર્ષમાં ગુગુલ પર કરવામાં આવતા સર્ચ ટ્રેન્ડમાં "માઈગ્રેન" શબ્દની સર્ચમાં વૈશ્વિક સ્તરે પંદર ટકાનો વધારો થયો છે. આથી નિષ્ણાત ન્યુરોલોજીસ્ટની સલાહ લઇ આધાશીશીની યોગ્ય તાપસ અને સારવાર કરાવવી જોઈએ.


     વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજીના સેક્રેટરી જનરલ પ્રોફેસર વોલ્ફગેંગ ગ્રિસોલ્ડ જણાવે છે કે, "માઈગ્રેન એટલું સામાન્ય છે છતાં પણ વિશ્વના સૌથી વધુ બોજારૂપ રોગો કરતાં તેના માટે ઓછું સંશોધન ભંડોળ મળે છે." તેથી આના વિષે જાગરૂકતા લાવવાથી તેના સંશોધનમાં વેગ મળી શકે અને તેનાથી પીડાતા આટલા બધા દર્દીઓને મદદ થઇ શકે.

માઇગ્રેન એક લાંબા ગાળાની બીમારી છે જેમાં તીવ્ર માથાનો દુખાવો, ઉબકા, ઉલટી, ચક્કર તથા પ્રકાશ, અવાજ અને સ્પર્શની સંવેદનશીલતા જોવા મળે છે. અમુક જૂજ કિસ્સાઓમાં સ્ટ્રોક, હૃદય રોગ, ખેંચ, ડિપ્રેશન, શરીરના દુખાવા જેવા અન્ય રોગો સાથે સંકળાયેલું જોવા મળે છે. દુખાવામાં રાહત લાવવા અને જીવનની ગુણવત્તા સુધારવા માટે, વહેલી તકે સચોટ નિદાન અને અસરકારક સારવાર મળે એ ખુબ જરૂરી છે.


     વાચકમિત્રો, સ્પષ્ટ કહું તો આધાશીશીની અસરકારક સારવાર ઉપલબ્ધ હોવા છતાં પણ, ઘણા દર્દીઓ તેનો લાભ લેતા નથી. મોટા ભાગે તેઓ ભૂલથી માનતા હોય છે કે તેઓ માત્ર કોઈ સામાન્ય માથાના દુઃખાવાથી પીડાતા હોય છે અને ઘણી વાર તેઓ દુખાવાની દવા લઈને ચલાવતા હોય છે પણ કોઈ નિષ્ણાતની મદદ લેતા નથી. આ રીતે ધીમે ધીમે પેઈન-કિલર દવાઓની ટેવ પડી જાય છે અને એનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે પછી તે દવાઓના અભાવથી પણ માથાનો દુખાવો થવા લાગે છે જેને રિબાઉન્ડ હેડેક કહે છે. વિવિધ પ્રકારની પેઈન-કિલર દવાઓ અલગ અલગ રીતે કામ કરતી હોય છે એટલે નિષ્ણાંતની સલાહ લઈનેજ સારવાર કરાવવી જોઈએ.


    માઈગ્રેનથી પીડાતા એક અબજથી વધુ લોકો માટે એ એક દર્દભર્યું સત્ય (પેઈનફુલ ટ્રુથ) છે. વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજીના પ્રેસિડેન્ટ વિલિયમ કેરોલે કહ્યું હતું કે "તે આવશ્યક છે કે વિશ્વ માઈગ્રેનના દર્દીની શારીરિક પીડા અને તેને લીધે થતી સામાજિક અસરને સમજે." આ સાથે ઇન્ટરનૅશનલ હેડેક સોસાઈટીના પ્રમુખ લાર્સ એડવિન્સન જણાવે છે કે "માઈગ્રેનમાં સતત થતા રહેતા સંશોધનથી તાજેતરમાં "સીજીઆરપી સિસ્ટમ"ની દિશામાં અસરકારક અને વિશિષ્ટ એબોરટીવ પ્રકારની નવી દવાઓ જેવી કે રીમેગાપેન્ટ અને પ્રોફાઇલેકટીક પ્રકારની નવી દવાઓ જેવી કે મોનોકલોનલ એન્ટીબોડી રજૂ કરવામાં આવી છે જે સારા પ્રતિસાદો દર્શાવે છે. આગળ જતા પણ ઘણી બધી આવી દવાઓ શોધાવાથી અને વિશિષ્ટ ઉપચાર પદ્ધતિથી દર્દીના જીવનમાં ઘણો ફરક પડશે."


માઈગ્રેનના દર્દીએ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ યાદ રાખવા જોઈએ.


૧) જમવાનો અને ઊંઘવાનો સમય નિયમિતપણે જાળવો. ૨) પર્યાપ્ત માત્રામાં પાણી પીવો અને સવારે નાસ્તો બરાબર કરો. 3) ખાટું અને આથાવાળું જમવાનું ના લો અને પ્રોસેસ્ડ ચીઝ ટાળો. 4) અતિશય કેફીન, ચોકલેટ, ચાઈનીઝ ફૂડ અને ઠંડા પીણાં વગેરે ટ્રીગર્સ ટાળવા. 5) ફક્ત ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલ પેઈન કિલર લો અને તે જેવી પીડા થાય કે તરત લેવાનું રાખો, કારણ કે પેઈન કિલર સૌથી અસરકારક રીતે તોજ કામ કરે છે જો માથાનો દુખાવો શરુ થાય એ વખતે તરતજ લેવામાં આવે. 6) નિયમિત કસરત કરો અને યોગા, પ્રાણાયામ તથા મેડિટેશન કરો. 7) માથાના દુખાવાની નોંધ રાખો અને નિષ્ણાંત ડૉક્ટરને નિયમિત બતાવવાનું રાખો.


     તો આઓ સહુ સાથે મળીને "વર્લ્ડ બ્રેઈન ડે" નિમિત્તે, માઈગ્રેન વિષે જાગૃકતા કેળવીએ અને આ બીમારીથી પીડાતા દર્દીઓને મદદરૂપ થઈએ અને વહેલી તકે એનું સચોટ નિદાન કરી યોગ્ય સારવાર થાય એવા પ્રયત્નો કરીએ.